સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા નામે એક નાનું સરખું ગામ આવેલું છે. એ ગામમાં ગુરુ બ્રહ્મસમાજમાં રામદાસ નામના એક પ્રખર વિદ્વાન રહેતા હતા, તેમનાં ધર્મપત્નીનું નામ લક્ષ્મીબાઈ હતું. જે દરેક કાર્યમાં રામદાસનાં સહભાગી હતાં. તેઓ સંત, સાધુ, અતિથિને પ્રેમથી આવકાર આપતાં અને જમાડીને પછી વિદાય આપતા.
આ દંપતીને ઘેર સંવત ૧૯૦૭માં કારતક સુદ બીજ ને રવિવારના રોજ એક તેજસ્વી, રૂપ રૂપના અંબાર જેવા બાળકનો જન્મ થયો. આ બાળકનું નામ તેમણે તેજો રાખ્યું. તેજો ધીરે-ધીરે મોટો થયો. તેજો પણ માતા-પિતાના ચીલે ચાલવા લાગ્યો. ભજન, કીર્તન, સત્સંગ થતો હોય ત્યાં પહોંચી જાય ને દરરોજ સવારે વહેલા ઊઠી સ્નાનાદિ કાર્યથી પરવારી પ્રભુ સ્મરણ કરતો. આ તેજાનો નિયમ થઈ ગયો હતો. તેજાની માતા લક્ષ્મીબાઈએ બાળપણથી જ તેજાનું સુંદર સિંચન કર્યું હતું. આશરે વીસ-બાવીસ વર્ષની ઉંમરે તેજાનાં લગ્ન લેવાયાં. તેમનાં પત્નીનું નામ રૂડીબાઈ હતું. રૂડીબાઈ પણ ધર્મપરાયણ હતાં.
લગભગ ચાલીસ વર્ષની વયે તેજાએ તપશ્ચર્યા કરી, તે માટે તેમણે ઝીંઝુવાડાથી થોડે દૂર જિલણાનંદ (જિલ્લાનંદ) નામે એક સુંદર રળિયામણું સ્થળ છે ત્યાં પહોંચી તે ડુંગર પર તપ આદર્યું. કહેવાય છે કે ત્યાં ધર્મરાજાનો ડુંગર આવેલો છે. આ વિસ્તાર ખારો પાટ હોવાથી ત્યાં ખારું પાણી નીકળતું હતું, પરંતુ તેજાએ જ્યાં તપ કર્યું ત્યાં તેજાના તપના પ્રભાવે ખારા પાણીની વીરડીનું પાણી મીઠું થઈ ગયું. એવું પણ માનવામાં આવે છે કે ત્યાં અર્જુને ધરતીમાં બાણ મારીને ગંગાજી પ્રગટ કર્યાં હતાં. તેજાએ નાની ટેકરી પર દસ-બાર વર્ષ સુધી તપ કર્યું. ત્યારબાદ તેઓ તેજામાંથી તેજાનંદ સ્વામી બની ગયા.
તેજાનંદ તપ કરે ત્યારે પ્રભુ સાથે એક તાર થઈ જતા. એક દિવસ સાંજનો સમય હતો, તે વખતે એક વાઘ મોટી ત્રાડ નાંખતો આવ્યો. તેજાનંદ ભક્તિમાં લીન હતા. વાઘ તેજાનંદ સામે આવીને ઊભો રહ્યો. તેજાનંદે પ્રેમથી વાઘને કહ્યું, “તમે તો વનના રાજા કહેવાઓ, માટે તમારે મનમાંથી ક્રોધ કાઢી નાંખવો જોઈએ.” વાઘે સ્વામીના શબ્દો સાંભળ્યા. તે શાંત થઈને સ્વામીજી સામે આવીને બેસી ગયો. ત્યારબાદ સ્વામીજીએ વાઘને સત્સંગની વાતો કરી.
થોડા સમય પછી એક મોટો ફણીધર નાગ સ્વામીજી સામે ફૂંફાડા મારતો આવ્યો, સ્વામીજીએ નાગને પણ કહ્યું કે, ” હે નાગ દેવતા,તમે તો પૂજાઓ છો, માટે તમારે તમારું ઝેર કાઢી નાંખવું જોઈએ. સ્વામીજીના આ શબ્દો સાંભળી વાઘની સાથે નાગ પણ ભક્તિમાં તરબોળ થઈને સ્વામીજીનો સત્સંગ સાંભળવા લાગ્યો. તે પછી નિત્યનિયમ પ્રમાણે વાઘ અને નાગ સાંજ પડે ત્યારે સ્વામીજી પાસે સત્સંગ સાંભળવા અચૂક પહોંચી જતા. તેથી કહ્યું છે કે ડુંગર ઉપર દેરડી, જળે જિલણાનંદ,વાઘ, સાપ, શિષ્ય કર્યા, ધન્ય ધન્ય સ્વામી તેજાનંદ.